JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

22 December 2022

National Mathematics Day. રાષ્ટ્રીય ગણિત દિવસ-22 ડિસેમ્બર


National Mathematics Day:

રાષ્ટ્રીય ગણિત દિવસ:


                       ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. જેમણે ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન આપ્યું છે. ગણિતના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમના જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય ગણિત દિવસ પર, ચાલો જાણીએ કે ગણિતશાસ્ત્રી રામાનુજન કોણ હતા, તેમણે ગણિતના ક્ષેત્રમાં કેવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું.


⭐શ્રીનિવાસ રામાનુજન:

જન્મ:-  22 ડિસેમ્બર 1887માં કોયંબતૂર ના ઈરોડ ગામ માં થયો હતો. (તમિળનાડુ)

પિતા:  કુપ્પુસ્વામી શ્રીનિવાસ આયંગર 

માતા:  કોમલતામ્મલ

પત્ની:  જાનકીમમલ (14મી જુલાઈ 1904ના રોજ 16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા.)



⭐રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત:


          ઈ. સ. 2012માં વડાપ્રધાન મનમોહન સિંહે 26 ફેબ્રુઆરી 2012ના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસ રામાનુજના જન્મની 125મી વર્ષગાંઠના ઉદ્ધાટન સમારોહ દરમિયાન આજનાં દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.



                    તેમનું પ્રારંભિક શિક્ષણ કુંભકોણમની પ્રાથમિક શાળામાં થયું. ઈ. સ. 1898માં તેમણે શહેરની હાઈસ્કુલમાં એડમિશન મેળવ્યું. અહીં તેમને ગણિત વિષયનું એક પુસ્તક વાંચવા મળ્યું. જેનાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે ગણિત તેમનો મનપસંદ વિષય બની ગયો. તેમણે મદ્રાસ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ઈ. સ.1911માં ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીની જર્નલમાં તેમનો 17 પાનાનો એક પેપર પ્રકાશિત થયો જે બર્નૂલી નંબરો પર આધારિત હતો.


                  રામાનુજન ઘરની આર્થિક સ્થિતી અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઈ. સ.1912માં તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી જ્યાં તેમની ગણિતના કૌશલ્યનો ભરપુર ઉપયોગ કર્યો. એક અંગ્રેજ સહકર્મીએ રામાનુજને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી. એચ. હાર્ડી પાસે ગણિત ભણવા મોકલ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતના કેટલાંક મહિનાઓ પહેલા જ રામાનુજનું ટ્રિનિટી કોલેજમાં એડમિશન થઈ ગયું હતું. હાર્ડીએ રામાનુજને પહેલા મદ્રાસ યૂનિવર્સિટીમાં અને બાદમાં કેંબ્રિજમાં સ્કોલરશીપ અપાવવામાં મદદ કરી હતી.




⭐અભ્યાસ:

                  ઈ. સ. 1916 માં તેઓએ ગણિતમાં બી.એસસી.ની ડિગ્રી મેળવી. ઈ. સ. 1917 માં તેમને લંડન મેથેમેટિકલ સોસાયટી માટે પસંદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેઓ વિશ્વ વિખ્યાત બની ગયા. રામાનુજને કોઈ મદદ વિના હજારો રિઝલ્ટ સૂત્રો કે સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણા મૌલિક હતા જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hypergeometric series અને જેટા ફંન્કશનના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. તેમના દ્વારા રજુ કરાયેલ વિશિષ્ટ નંબર 1729 નંબર હાર્ડી – રામાનુજન નંબરના રૂપે પણ પ્રચલિત છે.


              રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. તેમણે ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ 3900 જેટલાં ગણિતનાં પરિણામો શોધ્યાં હતા. અત્યંત ધાર્મિક રામાનુજને કહ્યું હતું, “ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતુ હોય, તે સમીકરણ મારા માટે નિરર્થક છે.”


⭐શોધો:-

               12 વર્ષની ઉંંમરે રામાનુજને એમનાથી મોટા એક છોકરા પાસેથી સિડની લક્સ્ટન લોની (Sidney Luxton Loney – 1860 – 1939)નું ત્રિકોણમિતિ વિશેનું પુસ્તક વાંચવા લીધું. આ પુસ્તક એમને એટલું બધું ગમી ગયું કે તેમણે એને ગોખી નાંખ્યું. ત્યારબાદ એમની ગણિતજ્ઞ બનવાની સફરની શરૂઆત થઈ. તે પછી 15 વર્ષની ઉંમરે એમણે કૉલેજની લાઇબ્રેરીમાંથી જ્યૉર્જ શૂબ્રિજ કાર (George Shoobridge Carr – 1837 થી 1914)નું પુસ્તક વાંચવા લીધું.


              આ પુસ્તકમાં લગભગ 6000 પ્રમેયો છે, પરંતુ એ બરાબર ખુલાસાવાર સમજાવેલાં ન હતાં. રામાનુજન પર આ પુસ્તકનો બહુ પ્રભાવ પડ્યો અને એ પુસ્તક એમની સ્ટાઈલ માટે આદર્શરૂપ બની રહ્યું. રામાનુજન પણ કોઈ પ્રૉબ્લેમનો ઉકેલ શોધતા હોય તો છેવટે એનું પરિણામ લખી દેતા. બહુ ખુલાસો કરીને સમજાવવા જેટલા કાગળો પણ એમની પાસે નહોતા અને સમય પણ નહોતો. આથી તેઓ પિતાની દુકાનમાં પડેલાં પસ્તીનાં કાગળો પર પોતાનુ ગણિત કરતા. એ તો એમ જ માનતા કે આટલું લખવાથી જાણકાર તો સમજી જ જશે.


               ઈંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓએ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું હતું. કોઈ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું આટલું સન્માન કદી થયું ન હતું. ઉપરાંત કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં ગણિત વિભાગનાં પ્રાંગણમાં શ્રીનિવાસ રામાનુજનનું પૂતળું પણ મૂકવામાં આવ્યું છે.


               ઈ. સ. 1918માં રામાનુજનને એલિપ્ટિક ફંક્શન્સ અને સંખ્યાઓના સિદ્ધાંત પર પોતાની શોધ માટે રોયલ સોસાયટીના ફેલો પસંદ કરવામાં આવ્યા. રોયલ સોસાયટીના આખા ઈતિહાસમાં રામાનુજન જેટલી ઓછી ઉંમરમાં કોઈ સભ્ય હજુ સુધી નોંધાયા નથી. આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ ટ્રિનિટી કોલેજના ફેલો બનનાર પ્રથમ ભારતીય બન્યા હતા. ત્યારબાદ રામાનુજન ઈ. સ. 1919માં ભારત પરત ફર્યા. 32 વર્ષની ઉંમરે 26 એપ્રિલ 1920 માં તેઓએ કુંભકોણમમાં અંતિમ શ્વાસ લીધા.



⭐આત્મકથા આધારિત પુસ્તક અને ફિલ્મ:-

        શ્રીનિવાસ રામાનુજનની જીવનની આત્મકથા "ધ મેનુ હુ ન્યુ ઈન્ફિનિટી" ઈ. સ.1991 માં પ્રકાશિત થઇ હતી. ઈ. સ.2015માં તેનાં પર આધારિત ફિલ્મ The Man Who Knew Infinity રિલીઝ થઈ હતી. 



⭐ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ અને ૨૨ ડિસેમ્બર ૨૦૧૨માં રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.


No comments:

Post a Comment

જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ભરતી જાહેર, gyan sahayak advertisement, Gyan sahayak bharti, High Secondary Gyan sahayak bharti, merit, ખાલી જગ્યાઓ, જિલ્લા પસંદગી,

  જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જાહેરાત. શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય...