JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

21 February 2023

વિશ્વ માતૃભાષા દિવસ

       


વિશ્વ માતૃભાષા દિવસ

International Mother Language Day


Join WhatsApp Group Click Here

      આજે છે ૨૧મી ફેબ્રુઆરી. આજનો દિવસ તો ખરેખર બહુ જ રૂડો છે. કારણકે આજનો દિન વિશ્વ માતૃભાષા દિન તરીકે ઉજવાય છે. અને એનો ઈતિહાસ પણ એટલો જ અનેરો છે… એ વાત છે ૧૯પ૨ની કે જ્યારે પાકિસ્તાને તેના તાબા હેઠળના પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશમાં ઉર્દૂ ભાષાને ફરજીયાત બનાવી તેમને ઉર્દૂને માતૃભાષા તરીકે અપનાવવા ફરજ પાડી, ત્યારે તેના વિરોધમાં ત્યાંના બાંગ્લાદેશવાસીઓએ પોતાની માતૃભાષા બંગાળીના ગૌરવને જાળવવા લોક આંદોલન કર્યું. જેમાં તા.૨૧ ફેબ્રુઆરી, ૧૯પ૨ના રોજ ૪ બાંગ્લાવાસીઓ શહીદ થયા. તેની યાદમાં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આમ આ દિવસનાં પાયામાં ચાર ભાષાપ્રેમીઓની શહાદત રહેલી છે.  


⭐ દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર ૧૯૯૯માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી ૨૦૦૦ થી દર વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.



૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ?

👉 ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, ૧૯૯૯માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


 

હિન્દી વિશ્વની ત્રીજી સૌથી બોલાતી ભાષા


👉 વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના ૨૨મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ વિશ્વભરની ૨૦ સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં ૬૧.૫ કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે.


👉 વિશ્વભરમાં ૨૬.૫ કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. ૧૭ કરોડ લોકોની સાથે ૧૧મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. ૯.૫ કરોડ લોકોની સાથે ૧૫મા સ્થાને મરાઠી છે. ૯.૩ કરોડની સાથે ૧૬મા ક્રમે તેલુગુ અને ૮.૧ કરોડ લોકોની સાથે ૧૯મા ક્રમે તમિળ ભાષા આવે છે.



માતૃભાષાનો અર્થ શું?


બાળકને માતા તરફથી મળેલી ભાષા એટલે માતૃભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. સામાન્ય રીતે, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન કર્યો હોય અને બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું હોય તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું હોય તે ભાષા એટલે માતૃભાષા.


માતૃભાષા ગુજરાતી – ગુજરાતીઓનું ગૌરવ


👉 આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ‘ગૂર્જરાત’ અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે.


👉 સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.

👉 રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી, કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી.


 


ગુજરાત


હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકોની શોભાયાત્રા


👉 વિશ્વ માતૃભાષાના દિવસે અમદાવાદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ. યોજાશે. રાજ્ય સરકારના  જણાવ્યા પ્રમાણે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રા નીકળશે. આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની ૨ કિલોમીટર સુધી શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરાશે


👉 ‘૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદના બોડકદેવ ખાતેના પંડિત દીનદયાળ ઓડિટોરીયમમાં કરાશે.


👉 ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા “મારી ભાષા મારૂં ગૌરવ” વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે. જેનું રાજ્યમાં ૧૦૦ જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.


👉 આજે સવારે ૦૯-૦૦ થી ૧૧-૩૦ દરમિયાન ચાલનારા કાર્યક્રમનું BISAG દ્વારા રાજયની તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નિહાળી શકે તે માટે જીવંત પ્રસારણ થશે. રાજ્યની શાળાઓમાં પણ આ વિષયને કેન્દ્રમાં રાખી સ્પર્ધાનું આયોજન કરાશે. જિલ્લા કક્ષાએ પણ આ કાર્યક્રમોનું આયોજન પણ આ સમય સિવાય અલગ સમયે રાખવામાં આવશે.


⭐ ગુજરાતી ભાષા સામેના પડકારો?

આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાનો એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.

 

વિશ્વ માતૃભાષા દિવસ નો  વિસ્તૃત ઈતિહાસ


👉 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ ૫૬/૨૬૨ ના સ્વીકાર સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને ઔપચારિક માન્યતા આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૧૬ મે ૨૦૦૭ના રોજ ઠરાવ ક્રમાંક ૬૧/૨૬૬, માં સ્વીકાર્યું હતું કે માતૃભાષા દિવસ એ "વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણને પ્રોત્સાહન આપવા" વ્યાપક પહેલનો એક ભાગ છે. આ ઠરાવની સાથે જ વર્ષ ૨૦૦૮ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યું હતું.


👉 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવાનો મૂળ વિચાર બાંગ્લાદેશની પહેલ હતો. ૨૧ ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ (તે સમયે પૂર્વ પાકિસ્તાન)ના લોકોએ બાંગ્લા ભાષાને માન્યતા અપાવવા માટે આપેલી લડતની વર્ષગાંઠ છે. તે ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે.


👉 ૧૯૯૯માં યુનેસ્કો દ્વારા ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૦થી સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. આ ઘોષણા બાંગ્લાદેશીઓ (તે સમયે પૂર્વ પાકિસ્તાનીઓ) દ્વારા કરવામાં આવેલી ભાષા ચળવળને શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી.


👉 ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે ભૌગોલિક રીતે તેના બે અલગ અલગ ભાગ હતા: પૂર્વ પાકિસ્તાન (જે હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) અને પશ્ચિમ પાકિસ્તાન (જે હાલમાં પાકિસ્તાન તરીકે ઓળખાય છે). સંસ્કૃતિ અને ભાષાના અર્થમાં બંને ભાગો એકબીજાથી ખૂબ જ ભિન્ન હતા.


👉 બંગાળી અથવા બાંગ્લા ભાષા એ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના બહુસંખ્યક લોકો દ્વારા બોલાતી ભાષા હતી. તેમ છતાં, ૧૯૪૮માં પાકિસ્તાનની તત્કાલીન સરકારે ઉર્દૂને પાકિસ્તાનની એકમાત્ર રાષ્ટ્રીય ભાષા જાહેર કરી હતી. પૂર્વ પાકિસ્તાનના લોકોએ આ જાહેરાતનો વિરોધ કર્યો, કારણ કે મોટાભાગની વસ્તી પૂર્વ પાકિસ્તાનની હતી અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. તેમણે બાંગ્લા ભાષાને ઉર્દૂ ઉપરાંતની એક રાષ્ટ્રીય ભાષા બનાવવાની માગણી કરી હતી. આ માગણી સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનના ધીરેન્દ્રનાથ દત્તાએ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ પાકિસ્તાનની બંધારણ સભામાં ઉઠાવી હતી.


👉 આ વિરોધ પ્રદર્શનને તોડી પાડવા માટે પાકિસ્તાનની સરકારે જાહેર સભા અને રેલીઓને ગેરકાયદેસર ઠેરવી હતી. સામે પક્ષે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય જનતાના સમર્થનથી જંગી રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ પોલીસે રેલીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં અબ્દુસ સલામ, અબુલ બરકત, રફીક ઉદ્દીન અહમદ, અબ્દુલ જબ્બાર અને શફીઉર રહેમાન મૃત્યુ પામ્યા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના હતી, જ્યારે લોકોએ તેમની માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.


👉 આજના દિવસે બાંગ્લાદેશીઓ માતૃભાષા માટે તેમના જીવનનું બલિદાન આપનારા શહીદોની યાદમાં બાંધવામાં આવેલા 'શહીદ મિનાર' સ્મારકની મુલાકાત લે છે અને શહીદોની પ્રતિકૃતિઓ સમક્ષ તેમના પ્રત્યેનું ઊંડું દુ:ખ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.


👉 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના રોજ બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત કેનેડાના વાનકુંવરમાં રહેતા બંગાળીઓ રફીકુલ ઇસ્લામ અને અબ્દુસ સલામે કરી હતી. તેમણે ૯ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘના તત્કાલીન પ્રમુખ કોફી અન્નાનને એક પત્ર લખીને ૧૯૫૨માં ભાષા ચળવળ દરમિયાન ઢાકામાં થયેલી હત્યાની યાદમાં ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જાહેર કરીને વિશ્વની ભાષાઓને લુપ્ત થતી બચાવવા માટે એક પગલું ભરવા જણાવ્યું હતું.


👉  રફીકુલ ઈસ્લામનો પ્રસ્તાવ બાંગ્લાદેશની સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બાંગ્લાદેશની સરકાર દ્વારા યુનેસ્કોને આ સંદર્ભનો એક ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. યુનેસ્કોની નિયમનકારી વ્યવસ્થા દ્વારા આ દરખાસ્તને આગળ ધપાવવાની પ્રક્રિયા ફ્રાન્સમાં બાંગ્લાદેશના તત્કાલીન રાજદૂત અને યુનેસ્કોમાં કાયમી પ્રતિનિધિ સૈયદ મુઆઝ્ઝેમ અલી અને તેમના પુરોગામી ટોઝામ્મેલ ટોની હક દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેઓ તે સમયે યુનેસ્કોના સેક્રેટરી જનરલ ફેડરિકોના મેયરના ખાસ સલાહકાર હતા. છેવટે ૧૭ નવેમ્બર, ૧૯૯૯ના રોજ યુનેસ્કોની ૩૦મી જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે ૧૯૫૨માં આજના જ દિવસે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોની સ્મૃતિમાં સમગ્ર વિશ્વમાં ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે.


👉 યુનેસ્કો દરેક આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ માટે એક વિષય પસંદ કરે છે, અને તેના પેરિસ મુખ્યમથકમાં સંબંધિત કાર્યક્રમોને પ્રાયોજિત કરે છે. વર્ષ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ પર ભાષાઓના આંતરરાષ્ટ્રીય વર્ષની શરૂઆત થઇ હતી. તે ચિલી, રશિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત અને કેનેડામાં ઉજવવામાં આવે છે.


👉 બાંગ્લાદેશીઓ શહીદ સ્મારક અને તેની પ્રતિકૃતિઓ પર પુષ્પમાળાઓ અર્પણ કરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે. ૧૯૫૩થી આ દિવસે દેશમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે, તેને શોહિદ દિબોશ (શહીદ દિવસ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ, યુનેસ્કોની સામાન્ય પરિષદે ૨૧ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે માન્યતા આપી હતી. બાંગ્લાદેશીઓ તેમની ભાષા અને સંસ્કૃતિને માન આપીને સામાજિક મેળાવડાનું આયોજન કરે છે, સાહિત્યિક સ્પર્ધાઓ યોજે છે, રસ્તાઓ પર રંગોળી પૂરે છે, ઉત્સવનું ભોજન લે છે અને ગીતો સાંભળે છે. બાંગ્લા અકાદમી સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન ઢાકામાં અમાર એકુશે પુસ્તક મેલા(એકવીસમી (ફેબ્રુઆરી)નો અમર પુસ્તક મેળો) નું આયોજન કરે છે.

પુરસ્કાર


👉 લિંગુપેક્સ પુરસ્કાર

લિંગુપેક્સ પુરસ્કાર બાર્સેલોનામાં લિંગુપેક્સ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર દર વર્ષે આપવામાં આવે છે. આ ઇનામ ભાષાકીય વિવિધતાની જાળવણી, ભાષાકીય સમુદાયોના પુનર્જીવન અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવાની ઉત્કૃષ્ટ સિદ્ધિને માન્યતા આપે છે.


👉 એકુશે હેરિટેજ એવોર્ડ

બાંગ્લાદેશ હેરિટેજ એન્ડ એથનિક સોસાયટી ઓફ આલ્બર્ટા (બીએચઇએસએ) દ્વારા વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલા વાર્ષિક એકુશે હેરિટેજ એવોર્ડમાં શિક્ષણ, સામાજિક કાર્ય અને સામુદાયિક સેવા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિને બિરદાવવામાં આવે છે. આ એવોર્ડની જાહેરાત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર કરવામાં આવે છે.


👉 એકુશે યુવા પુરસ્કાર

આલ્બર્ટાના માહિનુર જાહિદ મેમોરિયલ ફાઉન્ડેશન (એમજેએમએફ) દ્વારા વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલો અને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર જાહેર કરવામાં આવેલો એકુશે યુવા પુરસ્કાર દર વર્ષે શિક્ષણ, રમતગમત, યુવા પ્રવૃત્તિઓ, સાહિત્ય અને સામુદાયિક સેવાના ક્ષેત્રોમાં યુવાનોને પ્રેરિત કરનારા વિજેતાઓને એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આલ્બર્ટાના રહેવાસીઓ પૂરતો મર્યાદિત છે.

No comments:

Post a Comment